નડિયાદમાં બે પડોશી વચ્ચે માથાકૂટ થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો, સામસામી ફરિયાદ નોંધાવાઈ નડિયાદ શહેરમાં બે પડોશીઓ વચ્ચે માથાકૂટ થતા મામલો ઉગ્ર બનતાં પોલીસ મથકે પહોંચ્યો છે. સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાઈ જવા પામી છે. જેમાં એક ફરિયાદમાં પરિણીતાનો પીછો કરતા ઠપકો આપતાં મામલો બિચક્યો તો સામેની ફરિયાદમાં જાતી વાચક શબ્દો બોલી ઘરમાં આવી નુકશાન કર્યાની ફરિયાદમાં ઉલ્લેખ થયો છે. નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં આવેલ ભાથીજી મંદિર પાછળના ફાટક પાસે રહેતા 30 વર્ષીય સોનલબેન અજયભાઈ રાવળ પોતે ઘરકામ કરી જીવન ગુજારે તેમના પતિ અજયભાઈ બેન્ડવાજા વગાડવાનું કામ કરે છે. પડોશમાં રહેતા અવિનાશ નરેશભાઈ પારગી સોનલબેન જ્યારે કામ ઉપર જાય ત્યારે તેઓનો પીછો કરી વાતચીત કરવાની કોશિશ કરે છે. જેથી આ બાબતે સોનલ બેને અવિનાશભાઈને ઠપકો આપ્યો હતો. તો સામે અવિનાશે જણાવ્યું હતું કે તું મને પસંદ છે જેથી હું તને જોવા માટે તારી પાછળ ફરું છું. સોનલબેને સમગ્ર બાબત અંગે પોતાના પતિ અજયભાઈને જાણ કરી હતી. આથી અજયભાઈએ ઠપકો આપવા અવિનાશભાઈના ઘરે જવા નીકળ્યા હતા ત્યારે અવિનાશ ફળિયાની બહાર આવેલ પીપળાના ઝાડ સામે મળી જતા અજયભાઈએ આ અવિનાશને ઠપકો આપ્યો હતો. આ સમયે ઉશ્કેરાયેલા અવિનાશે ગમે તેમ ગાળો બોલી નજીકમાં લાકડાનો ડંડો લઈ અજયભાઈ પર હુમલો કર્યો હતો. જોકે અજયભાઈનો મિત્ર ભયલુ તળપદા અને અજયભાઈનો પુત્ર યસ આવી જતા અજયભાઈને વધુ મારથી છોડાવ્યા હતા. પુત્રના કારસ્તાન અંગે ઠપકો આપ્યો ત્યારબાદ અજયભાઈએ અવિનાશભાઈના પિતા નરેશભાઈ તથા તેઓની માતા ગીતાબેનના ઘરે જઈને પુત્રના કારસ્તાન અંગે ઠપકો આપ્યો હતો. આ સમયે તમામ લોકો અજયભાઈને ગડદાપાટુનો માર મારવા ફરી વળ્યા હતા. અને જો બીજી વાર મારા ઘરે આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. સમગ્ર બનાવ સંદર્ભે અજયભાઈની પત્ની સોનલબેને નડિયાદ ટાઉન પોલીસમાં આ અવિનાશ નરેશભાઈ પારગી, નરેશભાઈ પારગી અને ગીતાબેન પારગી સામે ફરિયાદ નોંધાવી છે. સામાપક્ષે પણ 3 સામે ફરિયાદ ત્યારે સામા પક્ષે અવિનાશ નરેશભાઈ પારગીએ જાતી વાચક શબ્દો બોલી ઘરમાં આવી નુકશાન કર્યાની ફરિયાદ મામલે અજય વિઠ્ઠલભાઈ રાવળ, ભયલુ તળપદા અને યસ અજયભાઈ રાવળ સામે ફરિયાદ નોંધાવી છે. નડિયાદ ટાઉન પોલીસે સામ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.