ડાકોરમાં રણછોડજીને સોનાની કલમ ધારણ કરાવી ચોપડા પૂજન દિવાળીએ 70 હજારથી વધુ ભક્તોએ દર્શન કર્યાડાકોરમાં રણછોડજીને સોનાની કલમ ધારણ કરાવી ચોપડા પૂજન દિવાળીએ 70 હજારથી વધુ ભક્તોએ દર્શન કર્યા ડાકોરમાં દિવાળીના પાવન પર્વે રાજા રણછોડના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. વહેલી સવારથી મોડી રાત સુધી મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દિવસ દરમિયાન મંદિરમાં તહેવાર લક્ષી કાર્યક્રમ યોજાયા હતા. શણગાર દર્શન, જેમાં ચોપડા પૂજન, હાટડી દર્શન, જેવા વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજર રહી શ્રીજીના દર્શનનો લહાવો લીધો હતો. એક અંદાજ મુજબ દિવાળીના દિવસે 70 હજારથી વધુ ભક્તોએ દિવસ દરમિયાન ભગવાનના દર્શન કરી ધન્ય બન્યા હતા. દિવાળીનો પર્વ હોય ભગવાનને વહેલી સવારે મંગળા આરતી અને પંચામૃત સ્નાન કરાવવામાં આવ્યું, જે બાદ ભગવાને સુવર્ણ આભુષણો સાથે દાગીના ધારણ કર્યા હતા. સવારે 9.30ના શુભ મુહુર્તમાં ચોપડા પૂજન શરૂ થયું હતું. જેમાં મંદિરના મેનેજર, સેવકો અને 5 બ્રાહ્મણો દ્વારા ચોપડા પૂજન કરાયું હતું. ચોપડા પૂજન બાદ ભગવાન પોતે ચોપડા લખતા હોય તેવા ભાવ રૂપે રણછોડજીના હાથમાં સોનાની પેન ધારણ કરાવાય છે. મંદિરમાં સવારે ચોપડા પૂજન અને સાંજે 8 વાગ્યે ભગવાને હાટડી ભરી હતી. જેમાં વૈષ્ણવોએ પોતાની બોણી લખાવી હતી.