ખેડા અને આણંદ જિલ્લામાં 108ની 35 એમ્બ્યુલન્સ તૈનાત તહેવારોમાં વધતા કેસોને ધ્યાને લઇ આયોજન દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ખેડા જિલ્લા 108 દ્વારા ઈમરજન્સી સેવાઓ માટે એમ્બ્યુલન્સ અને કર્મચારીઓને જરૂરી સાધન, સુવિધાઓ સાથે સજ્જ કરી દીધા છે. તહેવાર ટાણે ખેડા અને આણંદ જિલ્લામાં કોઈપણ આપાતકાલીન સ્થિતમાં લોકોને મદદરૂપ થવા 108 દ્વારા 35 વાહનો તૈનાત કરાશે. સામાન્ય દિવસો કરતાં તહેવારોના દિવસોમાં ઇમરજન્સી કેસમાં વધારો થતો હોવાનું પ્રોગ્રામ ઓફિસર વિરાટ પંચાલે જણાવ્યું હતું.દિવાળીએ આનંદ અને ઉત્સાહનો તહેવાર હોવાની સાથે સાથે તહેવારના માહોલમાં અનેક પ્રકારની આપાત કાલીન સ્થિત ઉભી થતી હોય છે. ફટાકડાને કારણે આગ લાગવી, ફટાકડાથી દાજી જવું, શ્વાસો શ્વાસમાં મુશ્કેલી થવી, અકસ્માતના બનાવો, ફુડ પોઈઝનીંગની ઘટના જેવા બનાવો દિવાળીના તહેવાર દરમિયાન વધતા હોવાથી સામાન્ય દિવસો કરતાં 20 ટકા વધુ કેસ મળતા હોવાનું 108માં નોંધાયું છે. લોકો ખરીદી કરવા અને સ્વજનો ને મળવા બહાર નીકળે એટલે રસ્તાઓ પર ગીચ વાહન વ્યવહાર સ્વાભાવિક છે. આ તમામ સંજોગોમાં અકસ્માતના બનાવો પણ વધતા હોય છે. એકબીજાના ઘરે જઈ ભાત ભાતની મીઠાઈ અને ફરસાણ ખાવાને કારણે ફૂડ પોઈઝનીંગ કેસો પણ સામે આવતા હોય છે. જેને લઈ આ વર્ષે 108 દ્વારા જિલ્લાની તમામ એમ્બ્યુલન્સ અને સ્ટાફને સ્ટેન્ડબાય રખાયો છે. તહેવારો દરમિયાન 108 ના કુલ 17 વાહનો ખેડા જિલ્લાના નિર્ધારિત પોઇન્ટ પર તૈનાત રહેશે. આણંદના ઇમરજન્સી મેડિકલ એજયુક્યુટીવ મેનેજર નઝીર વ્હોરાએજણાવ્યું હતું, કે તહેવારો દરમિયાન આ સેવાના 18 વાહનો શહેર જિલ્લાના નિર્ધારિત પોઇન્ટ પર તૈનાત રહેશે.