નડિયાદના પૂર્વ કાઉન્સિલરના પુત્રને સંબંધીઓએ માર માર્યો રેતી ચોરી ન કરવાની સલાહ આપતાં મોતની ધમકી યુવકે કાકા સહિત ચાર સંબંધી સામે ફરિયાદ નોંધાવી નડિયાદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર ભાનુ ભરવાડના પુત્ર નવઘણ ભરવાડને તેના જ કાકા તેમજ સબંધીઓએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. નવઘણના કાકાનો ડ્રાઈવર અન્ય જગ્યાએથી માટી ચોરી લાવી ખાલી કરી રહ્યો હતો, ત્યારે નવઘણે તેને માટી ચોરી નહીં કરવા સલાહ આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જે દરમિયાન સ્થળ પર દોડી આવેલા સંબંધીઓ સાથે માથાકૂટ થઈ હતી. નડિયાદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર ભાનુ ભરવાનો પુત્ર નવઘણ ભરવાડ ગત તા.15 ઓક્ટોબરના રોજ રાત્રે 1 વાગ્યે તેના પાર્ટી પ્લોટ ખાતે જઈ રહ્યો હતો. ત્યારે આલ્ફા સ્કૂલ પાસે એક ડમ્પર માટી ખાલી કરી રહ્યું હતું. ડમ્પર નવઘણ ભાનુ ભરવાડના કાકા નવઘણ ઉર્ફે હસુ નથુ ભરવાડનું હતું. જેથી તેણે ડમ્પર ના ડ્રાઈવરને પકડ્યો હતો. અને કહ્યુ હતુ કે તારા શેઢને કહી દે આ રેતી ચોરીના ધંધા બંધ કરી દે. તારા શેઢનું નામ મારા નામથી ભળતુ હોઈ રેતી ચોરી તે કરે છે, અને બદનામી મારી થાય છે. જેથી ડ્રાઈવરે ફોન કરતા નવઘણ ઉર્ફે હસુ ભરવાડ, તેનો પુત્ર કેતન ભરવાડ, કિશન ભરવાડ, માંડણ ભરવાડ સ્થળ પર દોડી આવ્યા હતા. અને નવઘણ ભાનુ ભરવાડને ઘેરી લઇ તને બહૂ ચરબી ચઢી ગઈ છે. તારે અમારા ધંધામાં માથાકૂટ કરવાની નહી, તેમ કહી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાથી ડરી ગયેલા નવઘણ ભાનું ભરવાડે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે. છેલ્લા કેટલાય સમયથી પાલિકાના પૂર્વ કાઉન્સિલર ભાનુ ભરવાડ કોઈ કોઈ કારણોસર ચર્ચામાં રહેતો હોય છે. માટી ચોરીના વ્યવસાયમાં અસ્તિત્વની લડાઈ નવઘણ ભાનુભરવાડ પોલીસ ફરિયાદ નોંધાવી પોતે દુધે ધોએલા હોવાનો ડોળ કર્યો છે. પરંતુ તેના પિતા ભાનુ ભરવાડના ઇતિહાસ પર નજર કરીયે તો પૂર્વ કાઉન્સિલર ભાનુ ભરવાડ પોતે લેન્ડ ગ્રેબિંગના ગુનાનો આરોપી છે. ખેડા જિલ્લા ભુસ્તર વિભાગ દ્વારા અનેક વાર માટી ચોરી બાબતે દંડ ફટકાર્યા છે. ત્યારે આ ફરિયાદ પાછળનો હેતુ હકિકતમાં માટી ચોરીના વ્યવસાયમાં હરીફાઈ અને અસ્તિત્વની લડાઈ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.