વાપી નગરપાલિકા વિસ્તારમાં દર વર્ષે આશરે એવરેજ ૧૦૦ ઇંચ જેટલો વરસાદ પડે છે. આના પરિણામે ર થી ૩ ફૂટ જેટલો પાણીનો ભરાવો થાય છે અને પૂર્વ વિસ્તારના રહેવાસીઓના ઘરોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા રહે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સમસ્યાના નિવારણ રૂપે વાપી નગરપાલિકા દ્વારા GUDM મારફતે રજૂ થયેલી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ માટેની દરખાસ્તને તેમણે મંજૂરી આપી છે. આ દરખાસ્ત મંજૂર થતાં હવે, વાપી નગરપાલિકા સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામો હાથ ધરશે અને નાગરિકોના ઘરોમાં થતો પાણીનો ભરાવો અટકશે તથા જાનમાલનું નુકશાન પણ બચી જશે. મુખ્યમંત્રી એ આ ઉપરાંત કચ્છની મુંદ્રા-બારોઇ નગરપાલિકાની ભૂગર્ભ ગટર યોજનાના કામો માટેની રૂ. ૮૩.૭૯ કરોડની દરખાસ્ત પણ મંજૂર કરી છે. આ નગરોની આગામી વર્ષ ર૦પર ની વસ્તીની રોજની ૧ર.૧૧ એમ.એલ.ડી સીવેજ જનરેશનની સંભાવના ધ્યાનમાં રાખીને ભૂગર્ભ ગટર યોજનાના કામોનું આયોજન કરવામાં આવેલું છે. આ યોજના અંતર્ગત ૧૦ એમ.એલ.ડી ક્ષમતાનો સ્યુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ, હાઉસ કનેક્શન ચેમ્બર, પમ્પીંગ મશીનરી તેમજ સીવર કલેક્ટીંગ સીસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રી એ ભરૂચ નગરપાલિકાના ડુંગરી વિસ્તાર ઝોન-૬ અને શક્તિનગર ઝોન-ર માં પાણી પુરવઠા યોજનાના કામો માટે ૪.૩૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
આ બેય ઝોનમાં આગામી ર૦પ૦ના વર્ષની વસ્તીનો અંદાજ ધ્યાનમાં રાખીને રોજની ૧૬.૦ર એમ.એલ.ડી પાણી જરૂરિયાતને પહોંચી વળવા આ પાણી પુરવઠા યોજના મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મંજૂર કરી છે. સમગ્રતયા મુખ્યમંત્રી એ ત્રણ નગરપાલિકાઓને રૂ. ૧૧૪.૬૮ કરોડની રકમના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.