રક્ષા મંત્રી રાજનાથ સિંહે પીઓકેને લઈને પાકિસ્તાનને અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે ગુરુવારે કહ્યું કે પાકિસ્તાન તેના કબજા હેઠળના કાશ્મીરમાં લોકો પર ઘણા અત્યાચાર કરી રહ્યું છે અને તેને તેના પરિણામો ભોગવવા પડશે. તેમણે સીધું કહ્યું કે ગિલગિટ-બાલ્ટિસ્તાન સુધી પહોંચ્યા પછી જ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો વિકાસ સુનિશ્ચિત થઈ શકશે.
શૌર્ય દિવસ પર આયોજિત કાર્યક્રમને સંબોધતા સિંહે કહ્યું કે, અમે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની વિકાસ યાત્રા શરૂ કરી છે. જ્યારે આપણે ગિલગિટ-બાલ્ટિસ્તાન સુધી પહોંચી જઈશું ત્યારે જ લક્ષ્ય સિદ્ધ થશે. જણાવી દઈએ કે 1947માં આ દિવસે ભારતીય વાયુસેનાએ શ્રીનગરમાં લેન્ડિંગ કર્યું હતું. આ દિવસને શૌર્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આતંકને લઈને કર્યા આકરા પ્રહારો
રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાન સામાન્ય લોકો પર જે અત્યાચાર કરી રહ્યું છે, તેના પરિણામો પણ તેની સામે આવશે. તેમણે કહ્યું કે આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી. પાકિસ્તાન આતંકવાદનું આશ્રયસ્થાન છે અને તે ભારત વિરુદ્ધ આતંકવાદીઓનો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું કે 5 ઓગસ્ટ, 2019ના રોજ કલમ 370 હટાવવાના સરકારના નિર્ણયથી જમ્મુ અને કાશ્મીરના લોકો સાથે થતા ભેદભાવનો અંત આવ્યો છે.
ભારત અને પાકિસ્તાનના વિભાજન અંગે વાત કરતા રક્ષા મંત્રીએ કહ્યું કે વિભાજનની વાર્તા 1947માં લખાઈ હતી. હજુ તેની લોહીવાળી શાહી સુકાઈ ગઈ હતી, ત્યારે જ પાકિસ્તાને દગો કરવાનું શરૂ કર્યું. પાકિસ્તાને પોતાનું જે ચરિત્ર બતાવ્યું તેની કલ્પના પણ કરી શકાય એમ ન હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાને કાશ્મીરમાં જે લોહી વહાવ્યું છે તેની પાછળ માત્ર ભારતને નિશાન બનાવવાનું છે.