30.9 C
Kadi
Thursday, March 30, 2023

દેશની સુરક્ષા પર ચિંતન શિબિરને PM મોદીએ સંબોધિત કરી, ગૃહમંત્રીઓને કહ્યું- કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ સાથે મળીને કરે કામ


હરિયાણાના સુરજકુંડ ખાતે બે દિવસીય ચિંતન શિબિરનો આજે છેલ્લો દિવસ છે. પહેલા દિવસે ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધન સાથે આ ચિંતન શિબિરની શરૂઆત કરી હતી. જે બાદ હવે વડાપ્રધાન મોદીએ રાજ્યોના ગૃહમંત્રીઓને સંબોધિત કર્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દેશમાં તહેવારોની મોસમ છે, દેશ તહેવાર શાંતિથી ઉજવે. દરેક રાજ્યને બીજા રાજ્ય પાસેથી શીખ લે. કાયદો અને વ્યવસ્થા અંગે પીએમએ કહ્યું કે તેનો સીધો સંબંધ રાજ્યના વિકાસ સાથે છે.

સૂરજકુંડમાં આયોજિત આ ચિંતન શિબિરમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ગૃહમંત્રીઓ સામેલ થયા છે. ચિંતન શિબિરમાં, સાયબર ક્રાઇમ, ડ્રગ સ્મગલિંગ, બોર્ડર મેનેજમેન્ટ, કટ્ટરવાદ સહિતના અનેક પડકારો પર મંથન કરવામાં આવી રહ્યું છે.

‘દેશની અખંડિતતા સાથે પણ જોડાયેલા છે રાજ્યો’

પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પોતાના સંબોધનમાં કહ્યું કે આઝાદીનો અમૃતકાળ આપણી સામે છે. આવનારા 25 વર્ષ દેશમાં અમૃત પેઢીના નિર્માણના છે. ‘પંચ પ્રણ’ના સંકલ્પોને આત્મસાત કરીને આ અમૃત પેઢીનું નિર્માણ થશે. ભલે બંધારણમાં કાયદો અને વ્યવસ્થા રાજ્યોની જવાબદારી છે, પરંતુ તેઓ દેશની એકતા અને અખંડિતતા સાથે સમાન રીતે જોડાયેલા છે. દરેક રાજ્યને એકબીજા પાસેથી શીખે, એકબીજા પાસેથી પ્રેરણા લે. વિકસિત ભારતનું નિર્માણ, ગુલામીના દરેક વિચારથી આઝાદી. વારસા પર ગર્વ, એકતા અને નાગરિક ફરજ… આ પંચ પ્રણનું મહત્ત્વ તમે બધા સારી રીતે જાણો છો, સમજો છો. આ એક વિશાળ સંકલ્પ છે, જે ફક્ત અને ફક્ત દરેકના પ્રયત્નોથી જ સિદ્ધ કરી શકાય છે.

‘રાજ્ય એજન્સીઓને આપે સહયોગ’

પીએમ મોદીએ રાજ્યોના ગૃહમંત્રીઓને આગળ કહ્યું કે તેઓ દેશની સુધારણા માટે કામ કરે. આ બંધારણની પણ ભાવના છે અને દેશવાસીઓ પ્રત્યે આપણી જવાબદારી છે. જ્યારે દેશની તાકાત વધશે ત્યારે દેશના દરેક નાગરિકની, દરેક પરિવારની શક્તિ વધશે. આ જ તો સુશાસન છે, જેનો લાભ દેશના દરેક રાજ્યમાં સમાજની છેલ્લી હરોળમાં ઉભેલી વ્યક્તિ સુધી પહોંચાડવાનો છે. આમાં આપ સૌની મોટી ભૂમિકા છે. કેટલીકવાર કેન્દ્રીય એજન્સીઓએ એક સાથે ઘણા રાજ્યોમાં તપાસ કરવી પડે છે, અન્ય દેશોમાં પણ જવું પડે છે, તેથી દરેક રાજ્યની જવાબદારી છે કે તે રાજ્યની એજન્સી હોય, કે પછી તે કેન્દ્રીય એજન્સી હોય. તમામ એજન્સીઓએ એકબીજાને સંપૂર્ણ સહકાર આપવો જોઈએ.

‘કાયદો અને વ્યવસ્થાને સ્માર્ટ બનાવવી પડશે’

સાયબર ક્રાઈમ અને આતંકવાદને લઈને પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું- સાયબર ક્રાઈમ હોય કે હથિયાર અને ડ્રગ્સની દાણચોરીમાં ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ, આ માટે આપણે નવી ટેક્નોલોજી પર કામ કરતા રહેવું પડશે. સ્માર્ટ ટેકનોલોજીથી કાયદો અને વ્યવસ્થાને સ્માર્ટ બનાવવી શક્ય બનશે. છેલ્લા વર્ષોમાં કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓએ પણ દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને મજબૂત બનાવી છે. આતંકવાદ હોય, હવાલા નેટવર્ક હોય, ભ્રષ્ટાચાર હોય, દેશે આના પર અભૂતપૂર્વ શક્તિ બતાવી છે. લોકો તેમાં વિશ્વાસ કરવા લાગ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!