મહારાષ્ટ્રના ઠાકરે જૂથની શિવસેનાએ ‘સામના’ દ્વારા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના કડવાશવાળા નિવેદન પર કહ્યું કે, ફડણવીસ જેવા નેતાઓને હવે પસ્તાવો થઈ રહ્યો છે, તો ઝેરને અમૃત બનાવવાનું કામ પણ તેઓ કરે.
વાસ્તવમાં દિવાળી પહેલા દેવેન્દ્ર ફડણવીસે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે મહારાષ્ટ્રના રાજકારણમાં કડવાશ આવી ગઈ છે. ઠાકરે જૂથની શિવસેનાએ સામના દ્વારા દેવેન્દ્ર ફડણવીસના આ નિવેદન પર પ્રહારો કર્યા છે.
સામનામાં લખવામાં આવ્યું હતું કે દિવાળી પહેલા દેવેન્દ્ર ફડણવીસે કેટલાક મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. આ દરમિયાન ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રના રાજકારણમાં કડવાશ આવી છે જેને નકારી શકાય તેમ નથી. મહારાષ્ટ્રના રાજકારણમાં માત્ર કડવાશ જ નહીં, પરંતુ બદલાની રાજનીતિનો એક ઝેરી પ્રવાહ ઊછળી રહ્યો છે અને આ પ્રવાહનું મૂળ ભાજપનું તાજેતરનું રાજકારણ છે. ત્યારે આ મામલે ફડણવીસ જેવા નેતાઓને પસ્તાવો થવા લાગ્યો છે, તો આ ઝેરનું અમૃત બનાવવાનું કામ પણ તેઓએ જ કરવું પડશે.
અઢી વર્ષમાં ત્રણ વખત સત્તા પરિવર્તન
સામનામાં આગળ કહેવામાં આવ્યું, આજે માત્ર આપણા મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ દેશના રાજકારણમાં કડવાશ આવી ગઈ છે. લોકશાહીના લક્ષણો શું છે? સત્તાધારી પક્ષ કોઈ પણ હોય, તેણે વિપક્ષને એકીકૃત દેશના દુશ્મન ન ગણવા જોઈએ. લોકશાહીમાં મતભેદો મહત્ત્વપૂર્ણ હોય છે, તેથી મતભેદોનો અર્થ રાષ્ટ્રવિરોધી વિચારો નથી. તેથી શાસક અને વિપક્ષે ઓછામાં ઓછું એકબીજાની પ્રામાણિકતા પર વિશ્વાસ રાખીને કામ કરવું જોઈએ. મહારાષ્ટ્રમાં કડવાશ કેમ અને કોણે સર્જી? મહારાષ્ટ્રમાં છેલ્લા અઢી વર્ષમાં ત્રણ સત્તા પરિવર્તન થયા છે. આમાંના બે સત્તા પરિવર્તન સીધા ફડણવીસના નેતૃત્વમાં થયા છે.
કેન્દ્રીય સત્તાનો દુરુપયોગ કરીને પાડી દીધી સરકાર
આગળ લખ્યું, મહારાષ્ટ્રના રાજકારણમાં કડવાશ ન હોવી જોઈએ અને રાજ્યના કલ્યાણ માટે બધાએ સાથે બેસીને કામ કરવું જોઈએ, આ રાજ્યની પરંપરા છે. તમે કેન્દ્રીય સત્તાનો દુરુપયોગ કરીને સરકારને પાડી દીધી, શિવસેનાને તોડી નાખી. શિવસેનાના ધનુષ અને તીરનું પ્રતીક ફ્રીઝ થાય એ માટે પડદા પાછળથી રાજકીય ચાલ ચાલી. આ બધું મહારાષ્ટ્ર અને દેશે જોયું. શિવસેના ન રહે અને શિવસેનામાંથી જે ઝેર બહાર નીકળ્યું છે, તે ઝેરને ‘બાસુંદી’નો દરજ્જો આપવાના પ્રયાસો ચાલુ છે, એનાથી કડવાશની ધાર કેવી રીતે ઓછી થશે?
આગળ લખ્યું, રાજ્યમાં કડવાશ છે અને તેને દૂર કરવી જોઈએ, આ વિચાર દેવેન્દ્ર ફડણવીસના મનમાં ઊભો થયો જે મહત્ત્વપૂર્ણ છે. અમે ફડણવીસના આ વિચારો સાથે સહમત છીએ. નેપોલિયન, સિકંદર પણ કાયમ માટે ટકી શક્યા નહીં. રામ-કૃષ્ણ પણ આવ્યા અને ગયા, તો આપણે કોણ? ફડણવીસ, જો તમારા મનમાં આ આવી જ ગયું હોય, તો કડવાશનો અંત લાવવા પહેલ કરો! લાગી જાઓ કામ પર.