આખરે દુનિયાની સૌથી મોટી માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરની કમાન હવે દુનિયાના સૌથી અમીર ઈલોન મસ્કના હાથમાં આવી ગઈ છે. ઈલોન મસ્કે પદ સંભાળતાની સાથે જ સીઈઓ પરાગ અગ્રવાલ સહિત અનેક ઉચ્ચ અધિકારીઓને બરતરફ કર્યા છે. રિપોર્ટ અનુસાર, ટ્વિટરના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) પરાગ અગ્રવાલ અને ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (CFO) નેડ સેગલને મસ્કના માલિક બન્યા બાદ જ બરતરફ કરવામાં આવ્યા છે. ટ્વિટરની કાનૂની ટીમના વડા વિજયા ગડ્ડે પણ બરતરફ કરાયેલા ટોચના અધિકારીઓમાં સામેલ છે.
ઈલોન મસ્કની આ ડીલ પછી, એવા અહેવાલ છે કે, તે તમામ ટ્વિટર એકાઉન્ટ્સ પરથી પ્રતિબંધ પણ હટાવી દેવામાં આવશે જે કાયમી ધોરણે પ્રતિબંધિત છે. આ યાદીમાં બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ છે. ટ્વિટરે આ લોકોના એકાઉન્ટ પર કાયમી પ્રતિબંધ લગાવી દીધો છે. મે 2021માં બંગાળ હિંસા વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ કંગનાના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવાયું છે કે, સંપાદન પૂર્ણ થયા બાદ ટ્વિટરના સીઈઓ થોડા સમય માટે રહેશે, પરંતુ તે લાંબા ગાળા માટે બદલાશે. મસ્ક અને ટ્વિટરમાં બોટ એકાઉન્ટ પર લાંબા સમયથી ચર્ચા ચાલી હતી. મસ્કનું કહેવું છે કે, ટ્વિટર એક એવું પ્લેટફોર્મ હોવું જોઈએ જ્યાં તમામ પ્રકારના યુઝર્સ ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરી શકે. કોઈપણ સોશિયલ મીડિયા પર નફરત માટે કોઈ સ્થાન હોવું જોઈએ નહીં.