મહારાષ્ટ્ર સરકારના મંત્રી અબ્દુલ સત્તાર બીડ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટને વાહિયાત પ્રશ્નો પૂછીને વિવાદોમાં ઘેરાઈ ગયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો અનુસાર, કૃષિમંત્રી સત્તાર બીડના ડીએમ રાધાબિનોડ એ. શર્માને પૂછતા સાંભળી શકાય છે, ‘તમે દારૂ પીઓ છો?
શિંદે સરકારના મંત્રી અબ્દુલ સત્તાર અતિવૃષ્ટિને કારણે પાકને થયેલા નુકસાનની સમીક્ષા કરવા મધ્ય મહારાષ્ટ્રના બીડ જિલ્લાની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે કથિત રીતે આ ટિપ્પણી કરી હતી.
વાસ્તવમાં, સામે આવેલા વીડિયોમાં, કૃષિમંત્રી એક હોલમાં જિલ્લા કલેક્ટર શર્મા સહિત અન્ય અધિકારીઓ અને કેટલાક અન્ય લોકો સાથે હોલમાં બેઠેલા જોવા મળે છે. જ્યારે સત્તાર અને હોલમાં હાજર અન્ય લોકોને ચા પીરસવામાં આવે છે, ત્યારે કલેક્ટર શર્મા ચા પીવાની ના પાડે છે, ત્યારે જ મંત્રી પોતે નજીકમાં બેઠેલા ડીએમને પૂછે છે, ‘આપ દારુ પીઓ છો?’
હવે આ વીડિયો મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા સચિન સાવંતે ટ્વિટર પર શેર કર્યો છે. સાવંતે પ્રશ્ન ઉઠાવ્યો છે કે આ અતિવૃષ્ટિ નિરીક્ષણ પ્રવાસ છે કે દારૂની ભઠ્ઠીની નિરીક્ષણ મુલાકાત? આ સાથે કોંગ્રેસ નેતાએ એક કવિતા પણ ટ્વીટ કરી છે.
“ગમ કા દૌર હો યા ખુશી, સમા બાંધતી હૈ શરાબ
કિસાન મરે યા કર ખુદકુશી, સમા બાંધતી હૈ શરાબ
એક મશવરા હૈ જનાબ કે થોડી-થોડી પિયા કરો
હુઈ મહંગી બહુત હી શરાબ, કે થોડી-થોડી પિયા કરો”
પોલીસ સ્ટેશન ઓફિસર પર ભડક્યા હતા ભાજપના સાંસદ
તાજેતરમાં જ ઉત્તર પ્રદેશમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. અહીંના અનેક વિસ્તારોમાં પૂરને કારણે તબાહી મચી ગઈ છે. આ દરમિયાન ભાજપના સાંસદ જગદંબિકા પાલ સિદ્ધાર્થનગર જિલ્લામાં આવેલા પૂરની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન પાલે પોલીસ સ્ટેશનના વડાને જોરદાર ખિજાયા હતા. વાસ્તવમાં જ્યારે જગદંબિકા પાલ ત્યાં પહોંચ્યા તો તેમણે જોયું કે ત્રિલોકપુર પોલીસ સ્ટેશનના એસઓ વિદ્યાધર કુશવાહા ટ્રેક્ટરમાં બેસીને આરામ કરી રહ્યા હતા. આ જોઈને સાંસદ ગુસ્સે થઈ ગયા અને પોલીસ અધિકારી પર જોરદાર વરસી પડ્યા હતા.