દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે)ના નેતા સૈદાઈ સાદિકે તેમની એ ટિપ્પણી માટે માફી માંગી છે જેમાં તેમણે અભિનેતામાંથી નેતા બનેલા ભાજપના નેતાને “આઇટમ” કહ્યા હતા. ભાજપના નેતા ખુશ્બુએ ટ્વિટર પર સાંસદ કનિમોઝીને ટેગ કરીને ડીએમકે નેતાની ટિપ્પણીનો ઉલ્લેખ કર્યો હતો. આ પછી કનિમોઝીએ ટ્વિટર પર માફી માંગી છે. ડીએમકેના નેતા સૈદાઈ સાદિકે માફી માગતા કહ્યું કે તેમનો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો ન હતો.
જોકે, તેમણે ભાજપના નેતાઓ પર પણ આરોપો લગાવ્યા હતા. તેમણે પૂછ્યું, ‘તામિલનાડુના બીજેપી ચીફ અન્નામલાઈએ ડીએમકેના મંત્રીઓને ડુક્કર અને જાનવર કહ્યા. તેમણે પત્રકારોની તુલના વાંદરાઓ સાથે કરી. આ ભાજપના નેતાઓ તેના વિશે કેમ વાત નથી કરી રહ્યા?’
જણાવી દઈએ કે આખો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે DMK નેતા સૈદાઈ સાદિકે તમિલનાડુમાં બીજેપી નેતાઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરી. તેઓએ નમિતા, ખુશ્બુ સુંદર, ગૌતમી અને ગાયત્રી રઘુરામને નિશાન બનાવ્યા.
એક જાહેર સભાને સંબોધતા સાદિકે કહ્યું, “ચારેય નેતાઓ આઈટમ છે. ખુશ્બૂનું કહેવું છે કે તમિલનાડુમાં કમળ ખીલશે. હું કહું છું કે અમિત શાહના માથા પરના વાળ પણ ઉગી આવશે, પરંતુ તમિલનાડુમાં કમળ ખીલવાની કોઈ શક્યતા નથી.”
ખુશ્બૂએ ટ્વીટ કરીને કહ્યું, “જ્યારે પુરૂષ મહિલાઓને ગાળો આપે છે, તો માત્ર એ જ દર્શાવે છે કે તેઓનો ઉછેર કેવો કરવામાં આવ્યો છે. તેઓ કેવા ઝેરી વાતાવરણમાં ઉછર્યા છે. આ પુરુષ સ્ત્રીના ગર્ભનું અપમાન કરે છે. આવા લોકો પોતાને કલાઈગ્નરના અનુયાયીઓ કહે છે. શું આ નવું દ્રવિડ મોડલ છે?”, તેમણે ટ્વીટમાં એમકે સ્ટાલિન અને કનિમોઝીને ટેગ કર્યા હતા.
ખુશ્બૂની ટ્વિટર પોસ્ટમાં ટૅગ થયા બાદ કનિમોઝીએ તરત જ ડીએમકે નેતાની ટિપ્પણી માટે માફી માંગી હતી. તેમણે લખ્યું, “એક મહિલા તરીકે અને એક વ્યક્તિ તરીકે, હું જે કહેવામાં આવ્યું તેના માટે માફી માંગુ છું. આને ક્યારેય પણ સહન કરી ન શકાય, પછી ભલે તે કોઈએ પણ કર્યું હોય. તે જે પક્ષમાં છે અને હું આ માટે ખુલ્લેઆમ માફી માંગવામાં સક્ષમ છું. મારા નેતા સ્ટાલિન અને મારી પાર્ટી ડીએમકે આને માફ કરતા નથી.”