વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજથી 1લી નવેમ્બર સુધી ગુજરાતની મુલાકાતે છે. તેઓ આજે વડોદરા આવશે. વડાપ્રધાન 31મી ઓક્ટોબરે સરદાર પટેલ જયંતિ પર કેવડિયા ખાતે સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપશે અને એકતા પરેડમાં ભાગ લેશે. વડોદરા, થરાદ અને જાંબુઘોડામાં વિવિધ વિકાસના કામો શરૂ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ તમામ કાર્યક્રમોમાં સામેલ થશે.
આજે C-295 એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
વડાપ્રધાન દ્વારા વિવિધ વિકાસ કાર્યો અને વિશેષ કાર્યક્રમોનું લોકાર્પણ કરવામાં આવશે. આજે વડોદરામાં C-295 એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આવતી કાલના કાર્યક્રમો
ત્યારબાદ 31મી ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે કેવડિયા પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી પરેડમાં હાજરી આપશે અને પરેડને સલામી આપશે. આવતીકાલે બપોરે વડાપ્રધાન થરાદથી ઉત્તર ગુજરાત માટે વિવિધ વિકાસ કાર્યોની જાહેરાત અને લોકાર્પણ કરીને સભાને સંબોધશે.
ત્રીજા દિવસે રહેશે માંગઢનો કાર્યક્રમ
વડાપ્રધાન 1 નવેમ્બરે સવારે માનગઢ હિલ, રાજસ્થાન ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. આ પછી તેઓ જાંબુઘોડામાં વિવિધ વિકાસ કાર્યોની જાહેરાત અને લોકાર્પણ કરીને સભાને સંબોધશે અને સાંજે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સ દ્વારા 182 વિધાનસભા મત વિસ્તારના કાર્યકરોને માર્ગદર્શન આપશે.