પોરબંદરનાં કુતિયાણા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીનાં આધારે પોલીસે કાસાંબડ ગામ નજીકથી ભરૂચ જિલ્લા જેલનાં પેરોલ રજા પરથી ફરાર થઇ ગયેલા આરોપીને પકડી પાડયો હતો. પોલીસે ઝડપાયેલા શખ્સને ભરૂચ જેલમાં સોંપી આપવા કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ રેન્જનાં મહાનિરીક્ષક મયંકસહ ચાવડા, પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા ફરાર આરોપીઓને શોધી કાઢવા આપેલી સૂચના અનુસાર ગ્રામ્ય વિભાગનાં નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ એ.એ.મકવાણા તથા સ્ટાફ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરવામા આવ્યો હતો.
કુતિયાણા પોલીસને પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીનાં આધારે કાસાંબડ ગામ પાસે પોલીસે ગુપ્ત રાહે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન ભરૂચ સબ જેલમાંથી રજા પરથી ફરાર થયેલ આરોપી દિનેશ કાંતિભાઇ વસાવાની અટક કરી તેની પુછપરછ કરતાં આ શખ્સ ભરૂચનાં આમોદ તાલુકાનાં આઝમનગરમા રહેતો હોવાનું અને પેરોલ પર છુટયા બાદ ફરાર થઇ ગયા હોવાનું વર્ણવ્યું હતું.
આથી કુતિયાણા પોલીસે તાત્કાલીક આમોદ પોલીસ સ્ટેશન તથા ભરૂચ સબજેલનો સંપર્ક કરી આ હકિકત જણાવી હતી. જેમાં આરોપી પ્રોહીબીશનનાં કામે તા.૧૩-૮-૨૦૨૧થી ભરૂચ જેલમાંથી પેરોલ પર છુટયા બાદ ફરાર થઇ ગયેલ હોય તેવી માહિતી મળી હતી. આથી કુતિયાણા પોલીસે ઝડપાયેલા શખ્સને આમોદ પોલીસ સ્ટેશન મારફત ભરૂચ સબજેલમાં સોંપી આપવાની કાર્યવાહી કરી હતી.
આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એ.મકવાણા, હેડ કોન્સ્ટેબલ એચ.ડી સિસોદીયા, આર.જે. રાડા, પોલીસ કોન્સ્ટેબલ સામતભાઇ તથા અલ્તાફ હુશેન સહિતનાં સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.