દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત ચૂંટણીને લઈને કોંગ્રેસના સમર્થકોને એક અપીલ કરી છે. કેજરીવાલે એક વીડિયો સંદેશ જારી કરીને કોંગ્રેસ સમર્થકોને તેમની પાર્ટીને વોટ ન આપવા જણાવ્યું હતું. કેજરીવાલે કહ્યું કે આવતા મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાંચ બેઠકો પણ જીતી શકશે નહીં. આના જવાબમાં કોંગ્રેસે વીડિયો સંદેશ કરી કરીને કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)ને ભારતીય જનતા પાર્ટીની B-ટીમ ગણાવી છે.
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના સૌથી મોટા ગઢ અને PM મોદીના ગૃહ રાજ્યમાં AAPની જીતના દાવાઓ વચ્ચે, કેજરીવાલ પંજાબની જેમ અન્ય પક્ષો માટે પણ ‘ભવિષ્યવાણી’ કરી રહ્યા છે. અગાઉ તેમણે કોંગ્રેસને 5થી ઓછી બેઠકો મળવાની વાત કરી હતી, હવે તેમણે ભાજપના વોટ શેર અંગે પણ મોટો દાવો કર્યો છે.
ગુજરાતમાં પ્રચાર વચ્ચે, અરવિંદ કેજરીવાલે એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે 2017ની સરખામણીમાં ભાજપનો વોટ શેર 11 ટકા ઓછો થવા જઈ રહ્યો છે. કેજરીવાલે દાવો કર્યો હતો કે ભાજપને 38 ટકા વોટ શેર મળવા જઈ રહ્યો છે. કેજરીવાલે કહ્યું, “આપનો ગ્રાફ રોજેરોજ વધી રહ્યો છે. હું હવામાં વાત નથી કરતો, એ લોકો તો કહેવા માટે કહે છે કે આટલી સીટો આવશે. હું જે કહું છું તે થાય છે. છેલ્લી વખતે મેં જે આગાહી કરી હતી તે થયું.”
કેજરીવાલે વધુમાં કહ્યું, “ભાજપનો વોટ શેર ખૂબ જ ઝડપથી ઘટી રહ્યો છે. ભાજપને 38 ટકાથી ઓછા વોટ મળશે, ગત વખતે તેને 49 ટકા વોટ મળ્યા હતા. તમે કલ્પના કરી શકો છો કે તેમની કેટલી બેઠકો ઓછી થશે. કોંગ્રેસને 5થી ઓછી બેઠકો મળી રહી છે અને એ 5 પણ જીત્યા બાદ ભાજપમાં જોડાઈ જશે. હું બધાને અપીલ કરું છું કે કોંગ્રેસને વોટ ન આપો, એકવાર આમ આદમી પાર્ટીને વોટ કરીને જોઈ લો. કોંગ્રેસને મત આપીને તમારો મત બગાડો નહીં.”
કેજરીવાલે કોંગ્રેસના પરંપરાગત સમર્થકોને AAPને મત આપવા વિનંતી કરતા કહ્યું કે ‘કોંગ્રેસને મત આપવાનો અર્થ છે તમારો મત બરબાદ કરવો.’ તેમણે કહ્યું કે કોંગ્રેસની સરકાર નહીં બને. આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને પાંચથી ઓછી બેઠકો મળશે. કોંગ્રેસનો જે પણ ધારાસભ્ય જીતશે તે પછીથી ભાજપમાં જોડાઈ જશે.’
ત્યારે હવે કેજરીવાલના આ સંદેશ પર તીખી પ્રતિક્રિયા આપતા, ગુજરાતના કોંગ્રેસના પ્રભારી અને રાજસ્થાનના ધારાસભ્ય રઘુ શર્માએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે કેજરીવાલની પાર્ટી એક પણ બેઠક જીતી શકશે નહીં. તેમણે કહ્યું, ‘હું અરવિંદ કેજરીવાલને પડકાર આપું છું કે તમારી પાર્ટી એક પણ બેઠક જીતી શકશે નહીં. તમે ભાજપની બી-ટીમ છો. હું તમને લેખિતમાં આપું છું કે તમને ગુજરાતમાં એક પણ બેઠક નહીં મળે.