ચૂંટણી તંત્રની ફ્લાઈંગ સ્કવોડ દ્વારા ગઈકાલે શહેરના નરસંગ ટેકરી વિસ્તારમાં એક મોંઘીદાટ ઓડી કારમાંથી રુ.૨૫ લાખની શંકાસ્પદ રોકડ કબ્જે કરતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ બારામાં ગાડીના ચાલકને ઝડપી લઈને તેની પૂછપરછ કરી હતી. પોરબંદર શહેર અને જિલ્લામાં ચૂંટણી સંદર્ભે વિવિધ એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર ચેકીંગની કામગીરી સઘન બનાવવામાં આવી છે. પોલીસ અને ચૂંટણી તંત્રની ફ્લાઈંગ સ્કવોડના અધિકારીઓ વાહનોના આવાગમન પર ચાંપતી નજર રાખી રહી છે. ગઈકાલે નરસંગ ટેકરી વિસ્તારમાંથી પસાર થયેલી એક ઓડી કારની તલાશી દરમિયાન ફ્લાઈંગ સ્કવોડના અધિકારીઓને ભાવેશ બાપોદરા નામના શખ્સ પાસેથી રુ.૨૫ લાખની રોકડ મળી આવી હતી.
ઉલ્લેખનીય છે કે, પોરબંદર શહેર અને જિલ્લામાં ચૂંટણી સંદર્ભે વિવિધ એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર ચેકીંગની કામગીરી સઘન બનાવવામાં આવી છે. હાલ ચૂંટણી સમયે રોકડ વ્યવહારની હેરફેર પર પ્રતિબંધ હોવા છતાં આ કારમાંથી પકડાયેલી આટલી મોટી રકમ શંકાસ્પદ જણાતાં ફ્લાઈંગ સ્કવોડના અધિકારીઓએ સંબંધિત સત્તાધીશોને જાણ કરી હતી. જોકે, આ રોકડ રકમ કોઈ રાજકીય પક્ષ દ્વારા લાવવામાં કે લઈ જવામાં આવી રહી હતી તે અંગે હજુ સુધી કોઈ જ વિગત બહાર આવી નથી.