ચૂંટણીમાં ફરજ પરના ૯૦૦થી વધુ પોલીસકર્મીઓએ કર્યું પોસ્ટલ બેલેટથી મતદાન રાજકોટ જિલ્લામાં વિધાનસભાની મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શનમાં જિલ્લાનું ચૂંટણી તંત્ર એક્શન મોડમાં છે. જિલ્લાના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં વિવિધ ટીમો દ્વારા તપાસ, સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ફરજ બજાવતા અધિકારીઓ અને પોલીસકર્મીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરે છે ત્યારે ફરજ પર રહેલ ૯૦૦થી વધુ પોલીસ કર્મીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું ડિસેમ્બરના રોજ રાજકોટ ખાતે વિધાનસભા સામાન્ય ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે. મતદાન દિવસે ચૂંટણી બંદોબસ્તમાં પોલીસ કર્મીઓ જવાના હોય તેઓ પણ તેમનો મતાધિકાર ભોગવી શકે તે માટે તેઓનું અગાઉથી પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવે છે. જે અનુસંધાને રાજકોટ વિધાનસભાની બેઠકો માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે મતદાન પ્રક્રિયા આજરોજ હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજકોટ પૂર્વ – ૬૮ બેઠક માટે ૨૮૮, રાજકોટ પશ્ચિમ બેઠક – ૬૯ માટે ૪૯૦, રાજકોટ દક્ષિણ બેઠક – ૭૦ માટે ૧૪૪ અને રાજકોટ ગ્રામ્ય બેઠક – ૭૧ માટે ૩૧ સહિત ૯૦૦થી વધુ પોલીસ જવાનો દ્વારા બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું.