ભાજપ શાસિત પોરબંદર નગરપાલિકાના ભ્રષ્ટાચાર અને કુશાસનથી પોરબંદરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. નગરપાલિકાના પ્રમુખ અને સત્તાધીશો સામે સમગ્ર શહેરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે આગામી બે દિવસ પછી યોજાનાર ધારાસભ્યની ચૂંટણીમાં પોરબંદરની જનતા કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાની તરફેણમાં મતદાન કરે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.
બાંધકામ પરવાનગીઓમાં કરોડો ઉઘરાવ્યા: પોરબંદર શહેરમાં નગરપાલિકાના સત્તાધીશોએ રહેણાંક અને કોમર્શિયલ બાંધકામોમાં પાર્ટી ફંડના નામે કરોડો રૂપિયા ઉઘરાવીને ગેરકાયદેસર મંજૂરીઓ આપી છે એ મંજૂરીઓને કલેક્ટર દ્વારા સ્ટે આપવામાં આવ્યો એટલે આ બાંધકામોમાં લાઈટ કનેક્શન પણ આપવામાં આવતા નથી, જેના કારણે મકાન માલિકો અને બિલ્ડરો મુશ્કેલીમાં મુકાયા હોવાથી નગરપાલિકા અને ભાજપના સત્તાધીશો સામે રોષ જોવા મળી રહ્યો છે.
રેંકડી-કેબીન ધારકોના ધંધા-રોજગાર છીનવી લીધા: પોરબંદર નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું ત્યારથી સત્તાધીશો રેંકડી-કેબીન ધારકોના જાણે દુશ્મન હોય તેવી રીતે હેરાન પરેશાન કરી રહ્યા છે. પોરબંદરના કમલાબાગ, રુપાળીબાગ, રાણીબાગ, ચોપાટી ચાઈનીઝ બજાર સહિત અનેક જગ્યાએ વર્ષોથી ખાણી પીણીની રેંકડી-કેબીનો આવેલી હતી તે તમામ રેંકડી-કેબિન હટાવીને લગભગ ૪ હજાર જેટલા ગરીબ પરિવારોના પેટ ઉપર પાટુ મારી તેની સીધી અસર મતદાન ઉપર પડી શકે અને આ તમામ પરિવારો અર્જુનભાઇ મોઢવાડીયાની તરફેણમાં સામૂહિક મતદાન કરે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.
માત્ર કોન્ટ્રાકટ માટે સિમેન્ટ કોંક્રિટના જંગલ ખડકી દીધાં: પોરબંદર શહેરમાં વર્ષો પહેલાં કોંગ્રેસના સમયમાં કમલા નહેરુ બાગ, રૂપાળી બાગ, રાણીબાગ, નાગાર્જુન પાર્ક સહિત સુંદર બાગ બગીચાઓ બનાવવામાં આવ્યા હતા પરંતુ ભાજપ શાસિત નગરપાલિકાએ આ તમામ બગીચાઓના નવીનીકરણના નામે માત્ર રૂપિયા કમાવવા સીમેન્ટ કોંક્રિટના જંગલ બનાવી દીધા. કમલાબાગ પાસે સેલ્ફી પોઇન્ટના નામે, રૂપાળી બાગ પાસે ફૂટપાથ ઉપર બગીચો, ખીજડી પ્લોટ, ચોપાટી આસપાસ તમામ જગ્યાએ બાંધકામો કરીને જે કુદરતી સૌંદર્ય હતું તે છીનવી લીધું.
નગરપાલિકા સંચાલિત તમામ સ્કૂલો બંધ: કોંગ્રેસના સમયમાં પોરબંદર નગરપાલિકા દ્વારા સુંદર શિક્ષણ આપતી સ્કૂલો ચાલતી હતી તે મોટાભાગની સ્કૂલો અત્યારે બંધ થઈ ગઈ. એક માત્ર એમ.ઇ.એમ. સ્કૂલ ચાલુ છે અને તે પણ બંધ થવાની તૈયારીમાં છે. આમ શિક્ષણનો અધિકાર છીનવી લેનાર નગરપાલિકા અને ભાજપ વિરુદ્ધ જનતામાં કચવાટ જોવા મળી રહ્યો છે તેને કારણે પણ મતદારો આગામી ચૂંટણીમાં કોંગ્રેસ તરફી મતદાન કરે તેવી સંભાવના દેખાઈ રહી છે.
પોરબંદરમાં સત્તા પરિવર્તનના સ્પષ્ટ સંકેત: પોરબંદર નગરપાલિકા સામે અસંતોષને કારણે હાલ તો પોરબંદરની જનતામાં કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઇ મોઢવાડીયાની તરફેણમાં લોકજુવાળ જોવા મળી રહ્યો છે. જે સત્તા પરિવર્તન તરફ દોરી જાય તેવું સ્પષ્ટ વાતાવરણ દેખાઈ રહ્યું છે.