શ્રદ્ધા મર્ડર કેસના મુખ્ય આરોપી આફતાબ પૂનાવાલાને સોમવારે પણ પોલીગ્રાફ ટેસ્ટ કરવા માટે લઈ જવામાં આવ્યો હતો, જે દરમિયાન રોહિણીમાં FSL ઓફિસની બહાર તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જોકે પોલીસે હુમલાખોરોને રોકી લીધા હતા, પણ એવું લાગી રહ્યું હતું કે હુમલાખોરો આફતાબની હત્યા કરવાના ઈરાદે આવ્યા છે.
પોતાની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વોકરની હત્યાના આરોપી આફતાબ પૂનાવાલા પર હુમલા દરમિયાન હિંદુ સેનાના કાર્યકર્તાઓ દસ મિનિટ માટે આફતાબને તેમના હવાલે કરવાની માંગ કરી રહ્યા હતા. તેમનું કહેવું હતું કે આફતાબે તેમની બહેન શ્રદ્ધાના 35 ટુકડા કર્યા હતા, હવે તેઓ તેના 70 ટુકડા કરી દેશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમને તલવારો ક્યાંથી મળી તો તેમણે કહ્યું કે તેઓ ગુરુદ્વારામાંથી લઈને આવ્યા છે. તે માત્ર તલવારો જ નહીં, બંદૂકો પણ લાવશે.
આફતાબ પર હુમલાની સમગ્ર ઘટના આ રીતે બની
આફતાબ અમીન પૂનાવાલાને લઈ જતી પોલીસ વાન પર સોમવારે સાંજે તલવારોથી સજ્જ લોકોએ હુમલો કર્યો, જેને પોલીસની મોટી નિષ્ફળતા માનવામાં આવે છે. હુમલાખોરો આખો દિવસ એફએસએલ લેબની બહાર આફતાબ પર હુમલો કરવા માટે ફરી રહ્યા હતા, પરંતુ પોલીસના બાતમીદારોને તેનો પત્તો પણ ન લાગ્યો.
મળતી માહિતી અનુસાર, આફતાબ પર હુમલો કરવા માટે આરોપી સવારે જ રોહિણી લેબ પહોંચી ગયા હતા. તેઓનો પહેલેથી જ પ્લાન હતો. આ માટે તેઓ ગુરુદ્વારામાંથી તલવારો લાવ્યા હતા. કાર પણ પ્લાન મુજબ પાર્ક કરી હતી.
પ્લાન મુજબ આરોપીઓએ પોલીસ વાનની સામે કાર ઉભી રાખી અને હુમલો કર્યો. અચાનક થયેલા હુમલાથી વાનમાં બેઠેલા સુરક્ષાકર્મીઓ થોડીવાર માટે સ્તબ્ધ રહી ગયા હતા. આરોપીઓ કોઈપણ ભોગે આફતાબ સુધી પહોંચવા માંગતા હતા. જો આફતાબ વાનમાં બનેલી કેબિનમાં બંધ ન હોત તો આ મોટી દુર્ઘટના બની જાત.
પોલીસ વાનમાં ત્રણ સ્તરની સુરક્ષા હોય છે. વાનના પાછળના ભાગમાં મુખ્ય દરવાજો હોય છે. ત્યાર બાદ બે કેબિનમાં પોલીસ કર્મચારીઓ હોય છે અને ત્રીજામાં આરોપીને રાખવામાં આવે છે. આરોપીઓએ દરવાજો ખોલતાની સાથે જ હથિયારોથી સજ્જ પોલીસ કર્મચારીઓને જોઈને પીછેહઠ કરી હતી.
જ્યાં આ ઘટના બની હતી ત્યાંથી રોહિણી કોર્ટ માત્ર 200 મીટર દૂર છે. રોહિણી કોર્ટની સુરક્ષા માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત છે. અર્ધલશ્કરી દળોના જવાનો પણ તૈનાત હોય છે. ગયા મહિને કોર્ટમાં હત્યાકાંડ બાદ પણ આવી બેદરકારી પોલીસ પર સવાલો ઉઠાવી રહી છે.
થઇ શકે છે આફતાબનો નાર્કો ટેસ્ટ
જણાવી દઈએ કે પોલીગ્રાફ ટેસ્ટ પૂર્ણ થયા બાદ હવે ગમે ત્યારે આફતાબનો નાર્કો ટેસ્ટ થઈ શકે છે. જો કે ફરી એકવાર તેનો પોલીગ્રાફ ટેસ્ટ પણ કરવામાં આવશે તેવી માહિતી પણ મળી છે. આ દરમિયાન, આફતાબ વિશે પણ કેટલાક નવા ખુલાસા થયા છે. જાણવા મળ્યું છે કે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આફતાબે તેને આપેલી વીંટી તેના હાથમાંથી ઉતારી લીધી હતી અને તેના ઘરે આવેલી અન્ય ગર્લફ્રેન્ડને આપી હતી.
પોલીસને હવે આ કેસમાં રોજેરોજ એવા પુરાવા મળી રહ્યા છે, જે બાદ આફતાબ સામેનો કેસ ઘણો મજબૂત બન્યો છે. આવી સ્થિતિમાં આગામી સમયમાં જ્યારે તેના પર કેસ ચાલશે ત્યારે પોલીસ દ્વારા તેને ફાંસીની સજાની માંગ કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે.