રાજ્યમાં કેટલાક સંવેદનશીલ બૂથો છે કે જ્યાં સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યું છે. આવતી કાલે પ્રથમ તબક્કાના મતદાન વખતે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા સઘન કરાઈ રહી છે ત્યારે બીજા તબક્કાનું મતદાન આણંદમાં થવા જઈ રહ્યું છે. આણંદની અંદર 8 બૂથો પર આરપીએફ સહીતની સુરક્ષા વ્યવસ્થાને લઈને માનવ અધિકાર સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.
આણંદના 8 બુથ પર આરપીએફ સાથે વ્યવસ્થા કરવા માંગ કરાઈ છે. આ એટલા માટે કેમ કે, આણંદમાં 2017માં લોટીયા ભાગોળ અને રાજસિનેમા પાસેના મતદાન મથક પર બે રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના બની હતી.
ત્યારે આગામી 5મી ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીમાં મારામારીના બનાવો અટકાવવાના હેતુથી ગુજરાત રાજ્ય માનવ અધિકાર સમિતિ દ્વારા જિલ્લા મેજીસ્ટ્રેટને ફરિયાદ કરી સશસ્ત્ર પોલીસ બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજવા રજૂઆત કરવામાં આવી છે.લોટીયા ભાગોળ સહિત અન્ય સંવેદનશીલ બુથ પર પણ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવશે. આણંદ શહેર જિલ્લામાં5 ડીસેમ્બરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન મારામારી જેવી ઘટનાઓમાં વાતાવરણ તંગ ના બને અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થાય તે હેતુસર આગોતરા આયોજન હેઠળ આરપીએફ સહિતનો પોલીસ બંદોબસ્ત ગોઠવવા કલેકટર સમક્ષ તેમણે તેમાં ઉલ્લેખ કર્યો છે.