મુંબઈની વિશેષ અદાલતે એક પિતાને તેની 16 વર્ષની સાવકી પુત્રી પર બળાત્કાર કરવા બદલ 20 વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે DNA ટેસ્ટના રિપોર્ટને પુરાવા માનીને 41 વર્ષીય આરોપીને દોષિત ઠેરવ્યો.
આરોપી સાવકા પિતાએ 2019 પછીથી દત્તક લીધેલી પુત્રી પર ઘણી વખત બળાત્કાર કર્યો. આ દરમિયાન તે ગર્ભવતી થઈ હતી. સુનાવણી દરમિયાન, પીડિતાએ નીચલી કોર્ટમાં તેની જુબાની દરમિયાન નિવેદન બદલી નાખ્યું હતું, પરંતુ કોર્ટે ડીએનએ ટેસ્ટ પર આધાર રાખીને આરોપીને સખત સજા સંભળાવી.
વિશેષ ન્યાયાધીશ અનીસ ખાને મંગળવારે આ આદેશ આપ્યો. તેમણે પોતાના આદેશમાં કહ્યું કે આવા વિચિત્ર સંજોગોમાં DNA ટેસ્ટ એ આરોપોને સાબિત કરવાની અસરકારક પદ્ધતિ છે. અનીસ ખાન પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સ (POCSO) એક્ટ સંબંધિત કેસોની સુનાવણી કરતી વિશેષ અદાલતના ન્યાયાધીશ છે. કોર્ટે આદેશમાં કહ્યું કે ડીએનએ રિપોર્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે આરોપી સાવકા પિતા પીડિતાના ભ્રૂણનો જૈવિક પિતા છે.
વિશેષ અદાલતે કહ્યું કે તે દુઃખદ છે કે સાવકા પિતાએ તેની સાવકી પુત્રી, જેની ઉંમર 18 વર્ષથી ઓછી છે તેની સાથે ખૂબ જ ગંભીર અને જઘન્ય અપરાધ કર્યો છે. મુંબઈની વિશેષ અદાલતે સ્પષ્ટપણે કહ્યું કે પીડિતા અને તેની માતાએ જુબાની દરમિયાન પિતા સામેના આરોપોથી પીછેહઠ કરી છે, તેનો અર્થ એ નથી કે કેસ સમાપ્ત થઈ જશે.
ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર, સગીર બાળકીના સાવકા પિતા ઓક્ટોબર 2019થી તેની સાથે બળાત્કાર કરી રહ્યા હતા. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પીડિતાએ જૂન 2020માં તેની માતાને આ વાત કહી. આ પછી પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો. પીડિતાની મેડિકલ તપાસમાં જાણવા મળ્યું કે યુવતી 16 અઠવાડિયાની ગર્ભવતી હતી. આ પછી તેનો ગર્ભપાત કરવામાં આવ્યો હતો. કેસની જુબાની દરમિયાન, પીડિતા અને તેની માતાએ આરોપી વિરુદ્ધ નિવેદનો આપતા વખતે આરોપોથી પીછેહઠ કરી.
કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે આરોપી પરિવારનો એક માત્ર કમાતો સભ્ય હોવાથી માતા અને પુત્રી ઈચ્છતા હતા કે તે જેલમાંથી બહાર આવે. પીડિતાના નિવેદનથી સ્પષ્ટ છે કે તે તેની માતાના ભાવનાત્મક દબાણ હેઠળ છે, તેથી તે આરોપને નકારી રહી છે. આવા સંજોગોમાં DNA રિપોર્ટ ગુનો સાબિત કરવાનું અસરકારક માધ્યમ છે. ડીએનએ રિપોર્ટ સાચો માનીને કોર્ટે આરોપીને 20 વર્ષની જેલની સજા ફટકારી છે.