દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે ફરી એકવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ને પાછું લાવવાની વાત કરી છે. તેમણે કહ્યું કે પીઓકેને પરત લાવવાનો સંસદનો સંકલ્પ છે. ત્યાં એવી સ્થિતિ છે કે લોકો પાકિસ્તાનની વિરુદ્ધ છે. આ સાથે રાજનાથ સિંહે કહ્યું કે અમે ગુજરાતની ચૂંટણી રેકોર્ડ વોટથી જીતીશું.
અગાઉ, જ્યારે રાજનાથ સિંહ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં એણે (પાકિસ્તાને) જે કર્યું છે તેની કિંમત તેને (પાકિસ્તાને) ચૂકવવી પડશે. પાકિસ્તાન તેના કબજા હેઠળના કાશ્મીરમાં લોકો પર ‘અત્યાચાર’ કરી રહ્યું છે અને તેને તેના પરિણામો ભોગવવા પડશે. તેમણે વધુમાં કહ્યું કે અમે કાશ્મીરના વિકાસનું કામ શરૂ કરી દીધું છે, પરંતુ અમે ત્યાં સુધી અટકીશું નહીં જ્યાં સુધી ગિલગિટ-બાલ્ટિસ્તાન સુધી પહોંચી ન જઈએ.
આર્મી ઓફિસરે પણ આપ્યા હતા આવા સંકેત
રક્ષા મંત્રીના આ નિવેદન બાદ સેનાના ઉત્તરી કમાન્ડના અધિકારી લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે સરકારના જે પણ નિર્દેશો હશે તેનું પાલન કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમે કોઈપણ કાર્યવાહી કરવા તૈયાર છીએ, સરકારની સૂચના મુજબ કામ કરવામાં આવશે. ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને પણ ચેતવણી આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે જો યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. સરહદ પર શાંતિ જાળવી રાખવાની જવાબદારી બંને દેશોની છે, પરંતુ જો પાકિસ્તાન કોઈ પગલું ભરશે તો તેણે પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.
ટાર્ગેટ કિલિંગ પર પણ આપી હતી પ્રતિક્રિયા
લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલી ટાર્ગેટ કિલિંગ પર પ્રતિક્રિયા આપતા એમ પણ કહ્યું કે આ સમયે આતંકવાદીઓ બઘવાઈ ગયા છે, તેથી જ નિઃશસ્ત્ર લોકો પર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ તેમની યોજનાઓ ક્યારેય પૂર્ણ થવા દેવામાં આવશે નહીં. લેફ્ટનન્ટ જનરલે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે યુવાનોને ઘાટીમાં કટ્ટરપંથી બનવાની મંજૂરી આપી શકાય નહીં. તેમને શિક્ષિત કરવા જરૂરી છે. તેમને આતંકના રસ્તે જતા અટકાવવા પડશે.